- મિત્રાંશુ ગામીત
દક્ષિણ ગુજરાતના આદિવાસી બહુલ તાપી જિલ્લાના વ્યારા કસ્બામાં આજે એક અલગ પ્રકારની લડત ચાલી રહી છે. વ્યારા જિલ્લા હોસ્પિટલને ખાનગી હાથોમાં સોંપીને મેડિકલ કોલેજ ચલાવવાના પ્રસ્તાવએ આ જિલ્લાના લોકોને હચમચાવી દીધા છે. આ માત્ર એક નિર્ણયનો વિરોધ નથી, પરંતુ તે નીતિનો વિરોધ છે જે જાહેર આરોગ્ય પર નહીં પરંતુ નફા પર આધારિત છે.
તેના પાછળનો વિશ્વાસ એ છે કે દરેકને સસ્તું અને સારું ઈલાજ અધિકારરૂપે મળવું જોઈએ. આ સંઘર્ષ માત્ર એક હોસ્પિટલની કહાની નથી, પરંતુ આ પ્રશ્ન ઊભો કરે છે કે આખરે આપણી આરોગ્ય વ્યવસ્થા કોના માટે છે – જનતા માટે કે પ્રાઇવેટ કંપનીઓ માટે?

તાપીની જીવનધારા: માત્ર એક હોસ્પિટલ નહીં, એક સહારો
વ્યારા હોસ્પિટલ ત્રણસો બેડવાળી ફક્ત એક ઈમારત નથી. આ માત્ર વ્યારાના લોકો માટે જ નહીં, પરંતુ સમગ્ર તાપી જિલ્લાના માટે નોડલ હોસ્પિટલ છે. નજીકના આદિવાસી બહુલ જિલ્લાઓ જેમ કે ડાંગ અને નંદુરબાર જિલ્લાના (મહારાષ્ટ્ર)ના ઘણા ગામોની પ્રજાએ પણ મોટી સર્જરીઓ કે રેફરલ માટે આ હોસ્પિટલ આધારિત છે. આ જ કારણ છે કે આ હોસ્પિટલની જાહેર ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે.
ગુજરાત સરકારે પ્રસ્તાવ મૂક્યો છે કે હોસ્પિટલની દેખરેખ અને સંચાલન ‘ટોરન્ટ’ નામની દવાની કંપની સાથે જોડાયેલા ખાનગી ટ્રસ્ટને સોંપવામાં આવે. ખાનગી ટ્રસ્ટના હાથમાં મેડિકલ કોલેજનું નિર્માણ થશે, જેના કારણે સરકારી જમીન અને સંપત્તિનો ઉપયોગ ખાનગી શિક્ષણ અને નફો કમાવવા માટે થવાની શક્યતા છે. આ બદલાવ જનતા માટે નુકસાનનું સોદો છે: મફત સારવાર બંધ થઈ શકે છે, ફી વધી શકે છે, અને ગરીબ-આદિવાસીઓ માટે હોસ્પિટલ તેમની પહોંચની બહાર થઇ શકે છે.

આદિવાસી જનતાએ ઊંચી અવાજ
સરકારનો દાવો છે કે આ ખાનગીકરણથી હોસ્પિટલની સ્થિતિ સુધરશે અને ખાસ ડૉક્ટરો આવશે. પરંતુ વ્યારાના લોકોને લાગ્યું કે આ ‘ઈલાજ’ કદાચ બીમારીથી પણ વધુ ખરાબ સાબિત થશે. શરૂઆતમાં નાની-નાની સભાઓ થઈ, જે ટૂંક સમયમાં મોટા વિરોધ પ્રદર્શનોમાં બદલાઈ ગઈ. સંગઠિત થઈને લોકોએ સતત વિરોધ દર્શાવવાનું શરૂ કર્યું.

જન જાગૃતિ માટેની યાત્રા – સપ્ટેમ્બર 2023માં આખા તાપી જિલ્લામાં ગામે-ગામ યાત્રા કાઢવામાં આવી. આ યાત્રા દ્વારા તાપી જિલ્લાના લગભગ 150 ગામોના લોકોને સંઘર્ષમાં જોડાવા માટે સંપર્ક કરવામાં આવ્યો, અને મોટા પાયે લોકસમર્થન મળવાનું શરૂ થયું. વ્યારાના રસ્તાઓ પર જિલ્લા મુખ્યાલયની બહાર ધરણાં, “અમારી હોસ્પિટલ અમારા હાથમાં” જેવા નારાવાળા બેનરો સાથેના જુલૂસ, અને અધિકારીઓને પોતાની માંગણીઓવાળા પત્રો આપવાની પ્રક્રિયા શરૂ થઈ.
મીડિયા કવરેજ, યુટ્યુબ વિડિયો અને સોશિયલ મીડિયામાં ચર્ચાએ વ્યારા આંદોલનને જિલ્લા બહાર રાજ્ય સ્તર સુધી પહોંચાડી દીધું.

60 દિવસની ધરણા અને અનશન – માર્ચ 2025ની શરૂઆતથી વ્યારા સિવિલ હોસ્પિટલને ખાનગી હાથોમાં આપવા સામે આદિવાસી સમાજે મોટું આંદોલન શરૂ કર્યું. હોસ્પિટલ પરિસરમાં આદિવાસી કાર્યકરો અને લોકોએ અનિશ્ચિતકાળ માટે ધરણું શરૂ કર્યું, લોકો સતત ભૂખ હડતાળ પર બેસવા લાગ્યા, અને આ હોસ્પિટલ કોઈપણ કંપનીને સોંપવામાં નહીં આવે તે માટે લખિત ખાતરી માગી.
આ વ્યાપક આંદોલન મે 2025ની શરૂઆત સુધી ચાલ્યું. સ્થાનિક અખબારોએ સતત આ આંદોલનોને સ્થાન આપ્યું. ક્યારેક ધરણું, ક્યારેક રેલી, તો ક્યારેક કલેક્ટરને આવેદનપત્ર આપવાની પ્રવૃત્તિઓ દ્વારા આદિવાસી સમાજે પોતાની શક્તિ બતાવી. તાપી જિલ્લાના અલગ-અલગ ગામો અને તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં લોકો વ્યારામાં એકઠા થયા, નારેબાજી કરી અને “સરકારી હોસ્પિટલ બચાવો” નો સંદેશ આપ્યો.

આ આંદોલનનું સંકલન ‘સંવિધાન સ્વાભિમાન સંસાધન તથા રાષ્ટ્રીય સંપ્રભુતા સુરક્ષા અભિયાન સમિતિ’ દ્વારા કરવામાં આવી રહ્યું છે, અને આજે આ સમિતિ લોકોનો અવાજ બની ગઈ છે.
સંઘર્ષનો સાચો મુદ્દો: આરોગ્ય અધિકાર છે કે વેપાર?
સરકાર અને અધિકારીઓએ આ ખાનગી ભાગીદારીને જરૂરી કહીને દાવો કર્યો છે કે ગરીબોનું ઈલાજ મફત રહેશે અને સેવાઓ સારી બનશે, તેમજ સરકારના પૈસે પર પણ વધારે ભાર નહીં પડે. પરંતુ વ્યારાના લોકોને આ વચનો પર વિશ્વાસ આવ્યો નથી. પોતાની અનુભવો અને અન્ય જગ્યાના અનુભવના આધારે તેમની આ શંકાઓ છે.
વ્યારા હોસ્પિટલના ખાનગીકરણના વિરોધનું મોટું કારણ એ છે કે સરકાર તેને Self-financed મેડિકલ કોલેજ (GMERS)માં બદલવાની યોજના બનાવી રહી છે. તેનો અર્થ એ છે કે હોસ્પિટલના દર્દીઓને હવે શૈક્ષણિક હોસ્પિટલની સેવાઓ માટે વધુ ફી આપવી પડી શકે છે, અને ડૉક્ટર-વિદ્યાર્થીઓના તાલીમ માટે હોસ્પિટલનું સંચાલન વ્યાપારી રીતે થઈ શકે છે. આ બદલાવથી આરોગ્ય સેવાઓનું બજારીકરણ થવાની ચિંતા લોકોમાં છે.
તેમની સૌથી મોટી ચિંતા એ છે કે ઈલાજ મોંઘો થઈ જશે. શું હજી પણ ડૉક્ટરને બતાવવું મફત રહેશે? શું જીવ બચાવતી દવાઓ અને તપાસો મોંઘી થઈ જશે? ગરીબ પરિવાર માટે થોડું પણ ફી લાગવું એ ઈલાજ ન કરાવી શકવાનું કારણ બની શકે છે.
જવાબદારી કોની રહેશે? સરકારી હોસ્પિટલ જનતા સામે જવાબદાર હોય છે, જ્યારે ખાનગી કંપનીનો હેતુ નફો કમાવવાનો હોય છે. લોકોનો પ્રશ્ન હતો: “શું આ કંપની આપણા આરોગ્ય માટે કામ કરશે કે પોતાના નફાની ચિંતા કરશે?” તેમને ડર છે કે વધારે પૈસા આપનારા દર્દીઓ પર જ ધ્યાન આપવામાં આવશે, અને સામાન્ય જનતાને અવગણવામાં આવશે.
કર્મચારીઓનું ભવિષ્ય: તે ડૉક્ટરો, નર્સો, સફાઈ કર્મચારીઓ અને અન્ય સ્ટાફનું શું થશે જે વર્ષોથી અહીં કામ કરી રહ્યા છે? શું તેમની નોકરી જશે? શું તેમને ઓછી પગારમાં કામ કરવા માટે મજબૂર કરવામાં આવશે?
ગુજરાતના અન્ય PPP મોડલના ચિંતાજનક અનુભવો: ગુજરાતમાં અગાઉ થયેલા અન્ય પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPP) હોસ્પિટલ સોદાઓના અનુભવો પણ લોકોની ચિંતા વધારી રહ્યા છે. વ્યારા હોસ્પિટલ ગુજરાતના તાજેતરના મોટા ત્રણ PPP પ્રયત્નોમાંથી એક માનવામાં આવી રહી છે, જેમાં મોટા ખાનગી જૂથો સામેલ છે. અગાઉના PPP મામલાઓમાં પણ મોટા ખાનગી જૂથોએ ભાગ લીધો હતો, જેમ કે ભુજ (અદાણી ગ્રુપ) અને દાહોદ (ઝાઈડસ ગ્રુપ)ના હોસ્પિટલ સોદાઓમાં. આ અગાઉના અનુભવોને જોઈને સ્થાનિક લોકો ચિંતિત છે કે વ્યારા હોસ્પિટલમાં પણ સરકારી હોસ્પિટલનું સ્વરૂપ બદલાઈ શકે છે અને જનતા માટે પહોંચ સીમિત થઈ શકે છે. મોટા ખાનગી જૂથોને સોંપાયેલી હોસ્પિટલોમાં ઘણી વાર ઈલાજની કિંમત વધવાની, ફી વધુ થવાની અને મેનેજમેન્ટમાં ગરબડ થવાની ફરિયાદો સામે આવી છે. આંદોલનના સમર્થકો આ ઘટનાઓને ચેતવણી રૂપે જુએ છે અને માંગ કરે છે કે વ્યારા હોસ્પિટલ સંપૂર્ણ રીતે સરકારી રહે અને જનતા માટે સરળતાથી ઉપલબ્ધ રહે.

વ્યારાના લોકો વિકાસ અથવા સારી સુવિધાઓના વિરોધી નથી. પરંતુ તેઓ માંગ કરે છે કે સરકારી વ્યવસ્થા જ મજબૂત બનાવવી જોઈએ.વધુ ડૉક્ટરોની નિમણૂક કરો, હોસ્પિટલોનો સ્તર સુધારો અને તેમનું સંચાલન સારું કરો.સરકાર પોતાની જવાબદારી ખાનગી કંપનીઓ પર ન નાખે.
તેમની આ લડાઈ એક જરૂરી યાદ અપાવે છે કે સરકારી હોસ્પિટલ કોઈ દુકાન નથી. તે એક સામાજિક જરૂરિયાત છે, એક આશ્રયની જગ્યા છે અને દરેક માણસનો અધિકાર છે.

વ્યારા આંદોલનના નોંધપાત્ર અનુભવ
આ આંદોલને ઘણી વ્યૂહરચનાઓ અપનાવી છે, જે ધ્યાન આપવા જેવી છે:
સતત ધરણું અને અનશન: જ્યારે લોકોને ખબર પડી કે જનતાની સલાહ લીધા વિના નિર્ણય થઈ રહ્યો છે, ત્યારે ગામોમાંથી લોકો હોસ્પિટલની બહાર આવવા લાગ્યા, દરરોજ, પોતાનો અવાજ ઉઠાવવા માટે. માર્ચથી મે 2025 દરમિયાન 60 દિવસનું સતત ધરણું અને અનશન બતાવે છે કે જ્યારે મુદ્દો ગંભીર હોય, ત્યારે કેટલીય મુશ્કેલીઓ હોવા છતાં જનતા થાકી જતી નથી.
મહિલાઓની મોટી ભાગીદારી: આ આંદોલનોમાં મહિલાઓ ખાસ સક્રિય રહી છે. પ્રસૂતિ, દર્દીઓની જરૂરિયાતો અને બાળ-ચિકિત્સા જેવા અનુભવો મહિલા-પરિવારો માટે અત્યંત સંવેદનશીલ હોય છે. આને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ સુધી દરેકની પહોંચ જાળવી રાખવી જરૂરી છે.
આદિવાસી સમાજની એકતા: આદિવાસી સમાજની એકતા અને તેમનો સરકારી હોસ્પિટલ સાથેનો લાગણીસભર સંબંધ જ આ આંદોલનની આત્મા છે. વધારે ખર્ચ થવાની શક્યતા, દૂરનાં ગામોના આદિવાસી લોકોની અવગણના થવાની ભીતિ અને ખાનગી મેનેજમેન્ટનો ડર — આ બધું જણાવી રહ્યું છે કે આવો બદલાવ જનહિત વિરુદ્ધ છે.
રાષ્ટ્રીય સમર્થન: NAPM (જન આંદોલનોનું રાષ્ટ્રીય સંકલન), જાહેર આરોગ્ય કાર્યકરો, માનવ અધિકાર જૂથો અને આરોગ્ય નિષ્ણાતો — સૌએ અપીલો મોકલી, ખુલ્લા પત્રો લખ્યા અને ઈ-મેઈલ અભિયાન ચલાવ્યું. આથી આંદોલન માત્ર સ્થાનિક મુદ્દો ન રહીને વ્યાપક સ્તરે વિચારવા લાયક મુદ્દો બની ગયો.
વ્યારા ના લોકોના હિંમતે રાષ્ટ્રીય સામાજિક સંગઠનોનું ધ્યાન ખેંચ્યું છે. નર્મદા બચાવો આંદોલનના મેધા પાટકર અને અન્ય અનુભવી કાર્યકરો આ સંઘર્ષમાં જોડાયા. આ મુદ્દો ગુજરાત વિધાનસભામાં પણ ઉઠ્યો, જેના કારણે સરકારે જનતાના રોષને સ્વીકારવું પડ્યું. આજે વ્યારા ના લોકોના સતત દબાણે સરકારે પોતાની યોજના પર થોડા હદ સુધી રોક લગાવવી પડી છે, અને હોસ્પિટલ ખાનગી હાથોમાં સોંપવાનો પ્રકલ્પ આગળ વધ્યો નથી.
તાજેતરમાં જ જુલાઈમાં વ્યારા ના આંદોલનકારીઓની ગુજરાતના મુખ્યમંત્રી સાથે બેઠક થઈ. આ બેઠકમાં મુખ્યમંત્રી તરફથી આવી પ્રતિક્રિયા મળ્યાનું કહેવાય છે – “સંપૂર્ણ ગુજરાતમાં લોકોને ખાનગીકરણથી કોઈ સમસ્યા નથી, તો તમે લોકો વિરોધ કેમ કરી રહ્યા છો? તમે કંઈ પણ કરો, આ સોદો અટકશે નહીં.”
આ પરિસ્થિતિમાં સમિતિ હવે સરકારની દરેક પ્રવૃત્તિ પર નજર રાખી રહી છે. સંઘર્ષ હવે એક નવા તબક્કે આવી ગયો છે. લોકોએ દેખાડી દીધું છે કે તેઓ હાર માનવાના નથી, અને સરકારે સંદેશો મેળવી લીધો છે કે ખાનગીકરણની કોઈ નવી કોશિશ થશે તો તેને જનતાના જોરદાર વિરોધનો સામનો કરવો પડશે.
શું ગુજરાત સરકારનું થઈ ગયું છે ખાનગીકરણ?
વ્યારા ની લડત એક બહુ વ્યાપક નીતિ સાથે જોડાયેલી છે. આ છે PPP (Public-Private Partnership) મોડલ અને જાહેર આરોગ્ય સુવિધાઓને ખાનગી તથા કોર્પોરેટ સંસ્થાઓને સોંપવાની નીતિ.
ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી હોસ્પિટલો અને સરકારી આરોગ્ય સંસ્થાઓને આ જ પ્રકારના મોડલ હેઠળ સોંપવાની યોજના બની છે, જેથી રાજ્યની ખર્ચની જવાબદારી ઓછી થાય અને ખાનગી મૂડી આવીને નફો કમાય.
પણ આ નીતિના ઘણા નુકસાન છે:
1. આરોગ્ય, જે એક અધિકાર છે, તે બજારની વસ્તુ બની જાય છે, જ્યાં પૈસા અને નફો મહત્વનું બની જાય છે.
2. જ્યારે મફત ઈલાજ સીમિત થાય છે, ત્યારે ગરીબ અને આદિવાસીઓને સૌથી વધુ મુશ્કેલી થાય છે.
3. ખાનગી મેનેજમેન્ટ ઘણીવાર પારદર્શક નથી રહેતું, કર્મચારીઓના પગાર અને શરતો નબળી પડે છે. હોસ્પિટલની પ્રાથમિકતા બદલાઈ જાય છે: દર્દી નહીં, પરંતુ મેનેજમેન્ટનો નફો વધારે મહત્વનો બની જાય છે.

આ સંઘર્ષનો હવે નવો અને અલગ વારો હોવો જોઈએ!
આદિવાસી વિસ્તારો જેમ કે તાપી, ડાંગ, નર્મદા અને આસપાસના જિલ્લાઓમાં આરોગ્ય, શિક્ષણ અને દૈનિક જીવન પહેલેથી જ સંકટમાં છે. કુપોષણ, બીમારી અને દૂર સ્થિત હોસ્પિટલ સુધી પહોંચવાની સમસ્યાઓ – આ બધું પહેલેથી જ છે. આ સ્થિતિમાં, વ્યારાના લોકો માત્ર પોતાની જરૂરિયાતો બચાવવાની લડાઈ નથી લડી રહ્યા; તેઓ સરકારની આરોગ્ય સેવાઓના ખાનગીકરણની નીતિ પર મૂળભૂત પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. હવે આ સંઘર્ષનો નક્કી નિર્ણય જનહિતમાં થવો જોઈએ, અને આ તમામ પગલાં લેવાનું જરૂરી છે:
- સરકારની આરોગ્ય સેવાઓ જાહેર હાથમાં જ હોવી જોઈએ: ખાનગીકરણની યોજના સ્થાયી રૂપે પાછી લેવી જોઈએ.
- આરોગ્ય સેવાઓ સાથે સંબંધિત કોઈપણ નિર્ણય લેતા સમયે જનપરામર્શ થવો જોઈએ, ખાસ કરીને આદિવાસી સમુદાયોની સંમતિ અને પાંચમી યાદીની કાનૂની સુરક્ષા લાગુ હોવી જોઈએ.
- જાહેર હોસ્પિટલોને મજબૂત કરવું જોઈએ — ડૉક્ટરો અને સ્ટાફ વધારવા, સાધનોને સુધારવા, મફત અને પૂરતી દવાઓ, મફત સારવારની સુવિધા જળવાઈ રહેવી.
- સામાજિક આંદોલનો, મીડિયા અને આરોગ્ય કાર્યકર્તાઓ સતત આ મુદ્દે કાર્ય કરે, જેથી સરકાર જાહેર જવાબદારી ભરે.


વ્યારાની અવાજ, સમગ્ર દેશનો મુદ્દો
વ્યારા હોસ્પિટલને ખાનગીકરણથી બચાવવા માટેનો સંઘર્ષ હવે ફરીથી તેજ થઈ રહ્યો છે, કારણ કે સરકાર હાલમાં હોસ્પિટલના કેટલાક ભાગોને ખાનગી એજન્સીને સોંપવાનો પ્રયાસ કરી રહી છે. આ આંદોલનના નેતાઓએ આ આંદોલનને સમર્થન આપવા માટે રાષ્ટ્રીય એકજૂટતા અને સહયોગની અપીલ કરી છે, કારણ કે આ એક ગંભીર મુદ્દો છે જે સમગ્ર દેશના લોકો પર અસર કરે છે.
ભારતમાં આરોગ્ય અને સામાજિક સેવાઓના ખાનગીકરણની આક્રમક નીતિ અત્યાર સુધી ગુજરાતમાં સૌથી મજબૂત રહી છે। આવી સ્થિતિમાં વ્યારા ખાતેના ખાનગીકરણ-વિરોધી સંઘર્ષની જીત સમગ્ર ભારતમાં આરોગ્ય આંદોલનો માટે નિર્ધારક પગલું થશે, જે બતાવશે કે ખાનગીકરણને જનશક્તિથી હરાવી શકાય છે.
તેથી આજે વ્યારા હોસ્પિટલને બચાવવા માટેના સંઘર્ષને સક્રિય રીતે સમર્થન આપવાનો સમય આવી ગયો છે.

(આ લેખનો ગુજરાતી અનુવાદ જિતેન્દ્ર લતા દ્વારા કરવામાં આવ્યો છે અને અભય શુક્લા દ્વારા સંપાદિત કરવામાં આવ્યો છે.)